ધ ફાઉંટેન હેડ, વર્જિનિયા વુલ્ફ, અ ડોલ્સ હાઉસ, મનુસ્મૃતિ અને જેંડર એક્સ-વાય,એક્સ-એક્સ

 


મનુસ્મૃતિ કહે છે, “સ્ત્રી જ્યારે બાળક હોય ત્યારે તેણીના પિતાની કસ્ટડીમાં રહેવી જોઈએ, જ્યારે લગ્ન થાય ત્યારે મહિલાઓ તેમના પતિની કસ્ટડીમાં રહેવી જોઈએ અને વિધવા તરીકે તેના પુત્રની કસ્ટડીમાં રહેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેણીને સ્વતંત્ર રીતે પોતાનો દાવો કરવાની મંજૂરી નથી. (અધ્યાય:૫, શ્લોક:૧૪૮ (The Laws of Manu V, n.d.))

વાત એવી છે ૧૮મી સદીના પૂર્વાર્ધ અને ૧૯મી સદીના આરંભમાં ઈન્ગલેન્ડ અને રશિયામાં એવી સ્ત્રીઓ અવતરી જેમની ક્રાંતિકારી પ્રતિભાએ પૂર્વગ્રહોની સીમાઓ ભૂંસી નાખી. એ સમયે ફક્ત પુરુષ લેખકો જ લખતા. વર્જીનિયા વૂલ્ફ એવા લેખિકા હતા, જેમના લેખિત વિચારોએ સ્ત્રીઓની રૂઢિગત ભુમિકાના જડમૂળને ઉખાડી નાખ્યા. તેમના સાહિત્ય પ્રદાને આગળની પેઢીઓને પ્રેરણા આપી. તેમણે જાતિગત સમાનતાની વાત કરતા. ફેમિનીઝમના ઈતિહાસમાં તેમનું યોગદાન વિશાળ માનવામાં આવે છે. ત્યારબાદ તે પ્રદેશની સ્ત્રીઓ જાતિગત સમાનતાના મુદ્દે ઘણી આગળ આવતી ગઈ. સ્ત્રી-પુરુષ વચ્ચેના વેતન તફાવત અને ઘરકામ સાથે કારકિર્દીમાં રસ દાખવતી સ્ત્રીઓના સંઘર્ષે, આખરે વેતનની સમાનતા લાવી દીધી.

દક્ષિણ ભારતમાં ખાસ તામિલનાડુંમાં કવિયત્રીઓ કવિ સંમેલનમાં પઠન કરી પુરસ્કાર-સન્માન મેળવી ઘરે આવતી અને પતિ અથવા ઘરના અન્ય પુરુષ દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બનતી. મુદ્દૂપાલાની અને અન્ય ઘણી કવિયત્રીઓને તેમના સાહિત્યક પ્રદાન માટે ઘણું સન્માન મળ્યું પણ તેઓએ પણ ઘરે સામાન્ય સ્ત્રીઓ જેમ પડકારો, હિંસા અને સામાજિક દમનનો સામનો કરવો પડ્યો.

બહોળો સમાજ માને છે સ્ત્રીઓએ જરૂર હોય તો જ કમાવું જોઈએ, બાકી નોકરી કરવાની કે વ્યવસાય કરવાની શી જરૂર? જે સ્ત્રીઓ નાણાકીય જરૂરિયાત વિના પોતાની ઈચ્છાથી નોકરી કરે છે તેનું ચરિત્ર જરૂર શંકાસ્પદ હોવું જોઈએ. આવા અનુમાન નોકરિયાત સ્ત્રીઓને વસ્તુ વિશેષથી વધારે નથી માનતા હોતા. ઘણાને એવું પણ લાગતું હોય છે જે સ્ત્રી નાણાકીય જરૂરિયાતના કારણે કમાય છે તેને સરળતાથી પામી શકાય અથવા કાબુમાં કરી શકાય. “એવી સ્ત્રીઓ પૈસા માટે કશું પણ કરવા તૈયાર થઈ જશે કારણ એને પૈસાની જરૂર છે. સામ, દામ, દંડ, ભેદ ગમે તે કરી હું મારે જે જોઈતું હોય તે મેળવી શકું છું.” એવો દ્રષ્ટિકોણ ઘણા રાખતા હોય છે. સિસ્ટમે બળપૂર્વક લાગુ પાડેલ આવો ખ્યાલ: “સ્ત્રીની પ્રાથમિક ફરજ ઘરના કામ સિવાયની ના હોવી જોઈએ. આની વિપરીત જો કોઈ વિચલન ઊભું થાય તો તેણીએ ધિક્કારઅને હિંસાનો સામનો કરવો પડશે.” બંને જાતિઓ વચ્ચે શારીરિક-વૈચારિક અંતર વધારે છે.

રશિયન લેખિકા આયન રેન્ડ એવા લેખીકા હતા, જેમના નિબંધ અને નવલકથામાં શક્તિશાળી સ્ત્રી પાત્રો હતા પરંતુ તેઓ પોતાને ફેમિનીસ્ટ ન'તા ગણાવતા. તેમની ફિલોસોફી જાતિગત ભુમિકાથી ઉપર હતી. તેમના મુજબ જાતિગત ભુમિકાના આધારે મત ના બાંધવો જોઇએ. તેઓ વ્યક્તિવાદને માનતા. અર્થાત માણસને તેના ચરિત્ર અને ક્ષમતાના આધારે નક્કી કરવો જોઈએ તેની જાતિના આધારે નહીં. સ્ત્રીઓ જે-તે ક્ષેત્રમાં આગળ વધી જ શકે છે પરંતુ પ્રેમ અને રોમાન્સમાં પુરુષે આગેવાની રાખવી જોઈએ. (આયન રેન્ડના મંતવ્યો, જે તેમણે વિવિધ લખાણો અને ઇન્ટરવ્યુમાં વ્યક્ત કર્યા હતા. (The Fountainhead - a Book by Ayn Rand, n.d.))  આયન રેન્ડથી શીખવા મળે છે સ્ત્રીઓના હક માટે તમારું ફેમિનિસ્ટ હોવું જરૂરી નથી.

૧૮મી સદીના પૂર્વાર્ધમાં ભારતમાં સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફુલે જેવા મહાનુભાવોએ સ્ત્રીઓને સાક્ષર બનાવાનું અભિયાન શરૂ કર્યું. વિશ્વના અલગ પ્રદેશોમાં ઘણા પુરુષો પણ સ્ત્રીઓના પક્ષે જોડાયા હતા. હેનરિક ઈબ્સન નામના નોર્વેના લેખકે 'એ ડોલ્સ હાઊસ' નામના નાટકથી એવી વાત રજૂ કરી જેનાથી ઘણી સ્ત્રીઓ પોતાને તે વિષય સાથે જોડી શકી. વાર્તા નોરા હેલ્મરની આસપાસ કેન્દ્રિત છે, જે દેખીતી રીતે ખુશ પત્ની અને માતા છે જે તેના પતિ ટોરવાલ્ડ હેલ્મર અને તેના બાળકો સાથે રહે છે. જેમ જેમ નાટક આગળ વધે છે, તેમ તેમ સ્પષ્ટ થાય છે કે નોરાનું જીવન તેટલું સુંદર નથી જેટલું દેખાય છે. નોરાએ તેના પતિને બચાવવા માટે વર્ષો પહેલા ગુપ્ત રીતે લોન લીધી હતી, આમ કરવા માટે તેના પિતાની બનાવટી સહી કરી. તે ટોરવાલ્ડની જાણ વિના, દેવું ચૂકવવા માટે ગુપ્ત રીતે કામ કરતી રહી, કારણ કે તેનો પતિ સ્ત્રી દ્વારા મદદ કરવાના વિચારથી અપમાનિત થયો હોત. જ્યારે ટોરવાલ્ડને નોરાની બનાવટ વિશે ખબર પડી ત્યારે નાટક તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. તેણીના બલિદાન માટે આભારી બનવાને બદલે, તે તેની પ્રતિષ્ઠા વિશે વધુ ચિંતિત થાય છે અને તેણીના આ કાર્યની નિંદા કરે છે. આ પ્રતિક્રિયા નોરાના તેના લગ્ન વિશેના ભ્રમને તોડી નાખે છે અને તેણીને અહેસાસ કરાવે છે કે તે ઢીંગલીના ઘરમાં "ડોલ્સ હાઉસ”માં રહે છે, જ્યાં તેણીને સમાન ભાગીદાર કરતાં એક કબજો અથવા બાળકની જેમ વધુ ગણવામાં આવે છે (The Project Gutenberg eBook of a Doll’s House, by Henrik Ibsen, n.d.).

સમાજ લગ્નને જીવનનો મહત્વનો ભાગ માને છે. ભૌતિક સંપત્તિઓ અને નાણાકીય માલિકીના આધાર પર થતાં અરેંજ મેરેજ ગંભીર દૂષણ છે. જે જાતિગત અસમાનતા તો વધારે જ છે, સાથે-સાથે વર્ણસંકર અનુસરતા લોકોની ભારતીય એકતા અને કાસ્ટ યુનિટીના પાખંડને છતું કરે છે. આવા લગ્નોથી થતી સંતતિ મોટાભાગે સરેરાશ કક્ષાની એવરેજ જન્મે છે. અરેંજ મેરેજ વ્યક્તિના વર્તન-ચરિત્ર કરતાં કારકિર્દી અને ભૌતિકવાદી પદાર્થોને સેક્સ અને સલામતી મેળવવાનું સાધન બનાવે છે. આવી જીવનશૈલીથી એવી વસ્તી વધે છે, જે સામાજિક અસંતુલન ઊભું કરે છે. અરેંજ મેરેજ સ્ત્રીઓને સાપેક્ષ કે પરોક્ષ રીતે ઘણીવાર નુકશાન તો પહોંચાડે જ છે, સાથે-સાથે સમગ્ર સમાજને રોગી બનાવે છે.

ઓશો કહે છે મહાભારતમાં દ્રોપદીનું ચિરહરણ કેમ થયું? તે સ્ત્રી હતી એટલે નહીં, તે કોઈકની સંપત્તિના સ્થાને હતી માટે થયું. જન્મથી જ સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવી, દેવી માનવી કે કોઈ અલૌકીક શક્તિ માનવી એ જ પ્રથમ જાતિગત અસમાનતા છે. કોઈ સ્ત્રી ના દેવી છે કે ના કોઈ પુરુષ ઈશ્વર. તમારા બાળકોને કે કોઈ પુખ્ત માણસને ઇશ્વરી પ્રતિમા માનવી, તે અન્ય બીજા સામાજિક દૂષણોને આમંત્રણ આપે છે.

જો તમે તમારા બાળકોને પ્રજનન, પોર્નના પ્રભાવ અને સ્ત્રીઓના માસિક વિષે વાત નથી કરી શકતા તો તમે વાલી તરીકેની ફરજ ચૂક્યા છો. આવા માવતારોએ તેમના બાળકોને સમાજના ભરોસે છોડી દીધા. સમાજે યોગ્ય રીતે માહિતગાર કર્યા તો નસીબ. બાકી, છાપામાં સ્ત્રીઓ સાથે થતાં દુર્વ્યવહારના સમાચારો રોજ વાંચવા મળે જ છે.

કહેવાનો અર્થ એ કે જ્યારે સિસ્ટમ એક ઢાંચામાં ચાલતી હોય ત્યારે એકલ દોકલ ઘટનાઓ સામે વાંધો ઉઠાવવામાં આવે તો બદલાવ આવવામાં વિલંબ થઈ જાય છે અને ક્યારેક ના પણ આવે. કોઈપણ સ્ત્રી સાથે ખોટું(એક્સન) થાય ત્યારે તે ઘટનાની ટીકા/બળવો(રિએક્સન) સમાજને બે ભાગમાં વિભાજીત કરી દે છે. તે મુદ્દાને યોગ્ય-અયોગ્ય સમજનાર માણસો બે પક્ષમાં વહેંચાઈ જાય છે. આ બન્ને પક્ષ તે ઘટનાના થવા બદલ યોગ્ય અને અયોગ્ય માનવા પાછળ છુપાયેલા કારણોને પ્રમાણિત કરે છે. તેણીની સાથે ખોટું થયું તો વાંક કોનો? તેણીનો કે ખોટું કરનારનો? જ્યારે ન્યાય એક પક્ષના ખાતામાં જાય તો અન્ય પક્ષ નિરાશ થાય છે. જ્યારે સિસ્ટમ અર્થાત સમાજના ધારાધોરણો ખામી ભર્યા હોય ત્યારે તે સિસ્ટમને જ બદલવી પડે.

ખામીભરેલી સિસ્ટમમાં એક પક્ષના સમર્થનમાં ન્યાય જાય ત્યારે સામાજીક અસમાનતા ઉભી થશે જ. કારણ અન્ય મતવાળા માણસોને મન એમનો પક્ષ સાચો છે, છતાં, તેમની સાથે અન્યાય થયો છે. તો આ માનસિકતા સ્ત્રી-પુરુષ વચ્ચે અંતર વધારશે. ગુનેગારને ગોળી મારી દેવાથી, ગુપ્તાંગ કાપી નાખવાથી કે ક્રોધમાં કલ્પિત થતી સર્વ આકરી સજાઓ બંને પક્ષોના મતભેદ દૂર નહીં કરી શકે. જ્યાં સુધી સિસ્ટમને બદલવામાં નહીં આવે.

મીણબત્તી મુકી પ્રાર્થના કરી સહાનુભૂતિ આપી શકો. તમારા સંબંધની કોઈ સ્ત્રી સાથે ઘટના થાય કે થશે તો પરાનુભૂતિ સમજાવી શકો પરંતુ સહાનુભૂતિ કે પરાનુભૂતિથી માનસ બદલાય તે વ્યક્તિગત પસંદગી છે. બંને પક્ષના તર્ક સામે આ ભાવનાઓ કામ નથી કરતી. કારણ કે સિસ્ટમે જ સ્થાપિત કરી છે જાતિગત ભુમિકા અને અપેક્ષા. જ્યાં સુધી જૂની સિસ્ટમના આધાર પર જીવનશૈલીના આદર્શ માનવામાં આવશે હિંસા અને ઉત્પીડનના કિસ્સાઓ ઓછા નહીં થાય.

કીર્તિદેવ

રેફરન્સ:

The Laws of Manu v. (n.d.). https://sacred-texts.com/hin/manu/manu05.htm

The Fountainhead - a book by Ayn Rand. (n.d.). AynRand.org. https://aynrand.org/novels/the-fountainhead/

The Project Gutenberg eBook of a Doll’s House, by Henrik Ibsen. (n.d.). https://www.gutenberg.org/files/2542/2542-h/2542-h.htm

 

 

 

 

 


Comments